Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Buy Books Online | Fiction, Non-Fiction & More | Verita Media House

Home Author Harsiddhbhai V. Divetia - હરસિદ્ધભાઈ વી. દિવેટીયા

હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટીયા (જ. 17 ફેબ્રુઆરી 1886, વડોદરા; અ. 3 ઑગસ્ટ 1968, મુંબઈ) ગુજરાત યુનિવર્સિટીના આદ્ય કુલપતિ અને સૌરાષ્ટ્ર તથા મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ. તેમણે મુંબઈની ઔદ્યોગિક અદાલતના પ્રથમ અધ્યક્ષ, ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ, ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના આદ્ય ઉપાધ્યક્ષ – એમ અનેક હોદ્દા શોભાવ્યા હતા. અમદાવાદના વડનગરા નાગરના સંસ્કારી કુટુંબમાં જન્મ. પિતામહ છોટાભાઈ પર્શિયનના ઊંડા અભ્યાસી. પિતા વજુભાઈ કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટના પ્રથમ ભારતીય મદદનીશ. માતાનું નામ ઈશ્વરબા. સમસ્ત દિવેટીયા પરિવાર માતાજીની ભક્તિના રંગે રંગાયેલો અને એટલે જ પોરબંદર ખાતે આવેલ હરસિદ્ધ માતાના મંદિર પરથી પિતાએ તેમનું નામ હરસિદ્ધ પાડ્યું. પ્રાથમિક અને પૂર્વ-માધ્યમિક શિક્ષણ રાજકોટ અને સૌરાષ્ટ્રનાં વિવિધ નગરોમાં; માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. 1902માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યૂલેશન પરીક્ષામાં ઊંચા ગુણાંક સાથે ઉત્તીર્ણ. ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરીને 1906માં તર્કશાસ્ત્ર અને નૈતિક તત્ત્વજ્ઞાન (Logic and Moral Philosophy) સાથે બી.એ. પરીક્ષામાં માન સાથે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થતાં ગુજરાત કૉલેજમાં પ્રથમ આવવા બદલ પ્રતિષ્ઠિત દક્ષિણા ફેલોશિપની પ્રાપ્તિ. 1908માં તત્ત્વજ્ઞાન સાથે એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવવા માટે ન્યાયમૂર્તિ તેલંગ સુવર્ણચંદ્રકની પ્રાપ્તિ. 1909માં એલએલ.બી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ. 1910–12 : સંયુક્ત પ્રાંત(યુ.પી.)માં બરેલી કૉલેજમાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક. 1912–33 સુધી મુંબઈની વડી અદાલતમાં એપેલેટ બાજુએ વકીલાત અને પ્રખર ધારાશાસ્ત્રી તરીકેની નામના મેળવી. દરમિયાન સરકારી લૉ કૉલેજમાં કાયદાશાસ્ત્રના મુલાકાતી પ્રાધ્યાપક (1928–31); મુંબઈની ‘બાર કાઉન્સિલ’ના વરાયેલા માનાર્હ મંત્રી તેમજ વાંદરા મ્યુનિસિપાલિટીના વરાયેલા સભ્ય (1929–33). 1933–46 : મુંબઈની વડી અદાલતના માનનીય ન્યાયમૂર્તિ. દરમિયાન મુંબઈની પ્રાંતિક સરકારે નીમેલ ટૅક્સ્ટાઇલ ઇન્ક્વાયરી કમિટીના અધ્યક્ષ (1938–40), અંગ્રેજી શાસન દરમિયાન જપ્ત કરવામાં આવેલી જમીન તેના મૂળ માલિકો/વારસદારોને પાછી આપવા માટે મુંબઈ સરકારે નીમેલ એક-વ્યક્તિ પંચ(One-man Tribunal)ની કામગીરી (1939), મુંબઈ પ્રાંતમાં માલિકો અને મજૂરો વચ્ચે સુમેળ અને ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે તે હેતુથી મુંબઈની પ્રજાકીય સરકારે રચેલ, ભારતભરમાં પ્રથમ એવી, ઔદ્યોગિક અદાલત(Industrial Court)ના પ્રથમ અધ્યક્ષ (1946–48) અને 1946માં બ્રિટિશ સરકાર તરફથી ‘સર’-(Knighthood)ના અતિપ્રતિષ્ઠિત ઇલકાબની નવાજેશ. 1946માં ડેક્કન સ્ટેટ્સની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક. સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં દેશી રાજ્યોનો સંઘ રચાતાં, સૌરાષ્ટ્રના નવા રાજ્યની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ (Chief Justice) તરીકેની કામગીરી (1948–51) બજાવી. ભારતના સ્વાતંત્ર્યોત્તર યુગમાં મુંબઈ રાજ્યમાં 1949માં સ્થપાયેલ ત્રણ નવી પ્રાદેશિક યુનિવર્સિટીઓ પૈકીની એક ગુજરાત યુનિવર્સિટીના માનાર્હ કુલપતિ તરીકે તેમણે કરેલી સેવા(1949–57) ખાસ ઉલ્લેખપાત્ર છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી સમગ્ર દેશની સાથે તે સમયના મુંબઈ રાજ્યમાં બીજાં ક્ષેત્રોની જેમ શિક્ષણના ક્ષેત્રમાં પણ નવરચનાનાં જે કાર્યો અગ્રિમતાના ધોરણે હાથ ધરવામાં આવ્યાં તે પૈકી એક કાર્ય રાજ્યના ત્રણ મુખ્ય પ્રદેશો – મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત – માટે ત્રણ નવી પ્રાદેશિક યુનિવર્સિટીઓ સ્થાપવાનું હતું (1949). નવસ્થાપિત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે પ્રથમ બે વર્ષ માટે રાજ્ય સરકારે હરસિદ્ધભાઈની નિમણૂક કરી. હરસિદ્ધભાઈના સફળ કુલપતિ તરીકેના કાર્યથી પ્રભાવિત થઈને યુનિવર્સિટીની સેનેટે ત્રણ ત્રણ વર્ષની મુદત માટે ભારે બહુમતીથી બબ્બે વાર (1951 અને 1954) માનાર્હ કુલપતિ તરીકે તેમને ચૂંટ્યા હતા. હરસિદ્ધભાઈના કુલ 8 વર્ષના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીએ જે મહત્ત્વનાં કાર્યો સિદ્ધ કર્યાં તેમાં શિક્ષણ અને પરીક્ષાના માધ્યમ તરીકે અંગ્રેજીને સ્થાને માતૃભાષા ગુજરાતીને પ્રતિષ્ઠિત કરીને માધ્યમ-પરિવર્તનની દિશામાં દેશભરની યુનિવર્સિટીઓને નેતૃત્વ પૂરું પાડ્યું તે મુખ્ય છે. હરસિદ્ધભાઈની સાહિત્યકૃતિઓ : (1) ‘મનોવિજ્ઞાન’ (ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું પ્રકાશન) (1914), (2) ‘The Art of Living in Bhagawadgeeta’ (ભારતીય વિદ્યાભવનની ‘Book University’ શ્રેણીનું પ્રકાશન) (1957), (3) ‘લેખસંચય’ (ફાર્બસ ગુજરાતી સભાનું પ્રકાશન), (4) ‘નરસિંહ અને મીરાંનાં ભજનો’ (સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયનું પ્રકાશન) (1957), (5) ‘What Life Has Taught Me’ (સ્વતંત્ર અભ્યાસલેખ).

DOB : 17-02-1886
DOD : 03-08-1968

Filter

Time, Newest First
WhatsApp Icon