જન્મ 12/01/1863 - અવસાન 04/07/1902
ઓ ભારતવાસી!
તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વના તારા આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે. તું ભૂલતો નહીં કે તારા આરાધ્ય દેવ મહાન, તપસ્વીઓના તપસ્વી અને સર્વસ્વનો ત્યાગ કરનાર ઉમાપતિ ભગવાન શંકર છે.
તું ભૂલતો નહીં કે તારો જન્મ જગદંબાની વેદી પર બલિદાન આપવા માટે થયો છે. તું ભૂલતો નહીં કે ભારતનો વંચિત વર્ગ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ચમાર અને ભારતનો સફાઈ કામદાર સુધ્ધાં તારા જ રક્તમાંસનાં સગાં છે, તારા ભાઈઓ છે.
હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન રાખ કે તું ભારતવાસી છે. ગર્વપૂર્વક ગર્જના કર કે, “હું ભારતવાસી છું અને પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.” તું પોકારી ઊઠ કે, “અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાળ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી અને અંત્યજ ભારતવાસી—દરેક ભારતવાસી મારો ભાઈ છે!”
તારી કમર પર પહેરવા માટે ભલે માત્ર એક લંગોટી જ રહી હોય, તો પણ ગર્વપૂર્વક અને ઊંચા સ્વરે ઘોષણા કર કે, “ભારતવાસી મારો ભાઈ છે, ભારત મારું જીવન છે અને ભારતનાં દેવદેવીઓ મારા માટે ઈશ્વર સમાન છે. ભારતનો સમાજ મારા બાળપણનું પારણું, મારા યૌવનનું આનંદવન અને મારી વૃદ્ધાવસ્થામાં મુક્તિ આપનાર વારાણસી સમાન છે.”
ભાઈ! પોકારી ઊઠ કે, “ભારતની ધરતી મારું સર્વોચ્ચ સ્વર્ગ છે અને ભારતનું કલ્યાણ એ જ મારું કલ્યાણ છે.”
અને અહર્નિશ પ્રાર્થના કર:
“હે ગૌરીપતિ! હે જગજ્જનની અંબે! મને મનુષ્યત્વ આપ!
હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હઠાવ અને મને મર્દ બનાવ!”
00 Comments
Loading reviews...