સત્યભામા – કૃષ્ણ પ્રત્યેના શાશ્વત પ્રેમની કથા
કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી હતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ એક હતી પટરાણી સત્યભામા, જે દૃઢપણે માનતી હતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી છે કે હું તેમને મળી!”
આ કથા સત્યભામાની છે, જે પોતાને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહીને, આંખમાં આંખ પરોવીને, તે દૃઢ વિશ્વાસ સાથે કહે છે કે ભલે તે રાધાની જેમ રાસ નથી રમી, ભલે રુક્મિણીની જેમ તેનું વરણ નથી થયું, ભલે દ્રૌપદીની જેમ તેને ‘કૃષ્ણા’ સંબોધન નથી મળ્યું અને ભલે જાંબવતીની વનસંસ્કૃતિને મળેલા સ્વીકારનો તેને ગર્વ નથી, તો પણ કૃષ્ણ સૌથી વધારે પ્રેમ તેને જ કરે છે!
આ કથા સત્યભામાના કૃષ્ણની છે. તેમાં દ્વારકા છે, ગોકુળ છે, બરસાના છે, મથુરા છે, પાંચાલ છે અને વિદર્ભ પણ છે. આ સ્થળો માત્ર સરનામાં નથી, પરંતુ સત્યભામાની કૃષ્ણને પામવાની પોતીકી યાત્રાના પડાવ છે.
કથાનાં પાને પાને સત્યભામા કૃષ્ણને કહે છે, “જો પ્રેમ વહેંચીને મહાન થવાતું હોય તો બળ્યું, મારે મહાન નથી થવું. કૃષ્ણ, તમે દરિયાનું તળિયું તો માપી લીધું અને દ્વારકા ઊભી કરી દીધી, પણ નારીના મનનું તળિયું તો તમે માપી નથી શક્યા!”
યુગ બદલાયો, પરંતુ સત્યભામા નથી બદલાઈ. તે ક્યાંય ગઈ નથી; અહીં જ ઊભી છે, આજે પણ. તેનો શાશ્વત ભાવ મારામાં, તમારામાં અને આપણા સૌમાં ધબકે છે.
00 Comments
Loading reviews...